બાળકોની સાથે-સાથે વિકાસ પામતી વાર્તાઓ

અમે કોણ છીએ

વાર્તા બુક્સ પ્રિયા નારાયણન અને પ્રિયાંકા દવે દ્વારા ભારતીય ભાષાઓમાં બાળસાહિત્યનાં પ્રચાર અને પ્રસાર માટે ૨૦૨૪માં સ્થાપિત બિનલાભકારી સંસ્થા વાર્તા લિટરેચર ફાઉન્ડેશનનું પ્રકાશન એકમ છે. તે ખાસ કરીને ભારત અને વિશ્વભરમાં વસતાં ગુજરાતી બાળકોમાં વાચનરસ કેળવવા પ્રત્યે સમર્પિત છે. અમારો ઉદ્દેશ્ય છે બાળકોને તેમની માતૃભાષામાં રસ લેવા પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી અથવા ગુજરાતી-અંગ્રેજી દ્વિભાષી પુસ્તકો રૂપે મજાનાં અને અવનવા રસપ્રદ વિષયવસ્તુ પ્રકાશિત કરવા. અમારા રંગસભર અને પહેલી નજરે જ વાંચવાનું મન થાય એવા પ્રકાશનો પાછળનો હેતુ છે વાચકને રસતરબોળ કરતો વાચન અનુભવ આપવો. જેથી કરીને બાળકમાં નાનપણથી જ પ્રાદેશિક સાહિત્ય માટે રસ-રુચિ કેળવાય જે આગળ જતાં જીવનભર માટેનાં વાચનપ્રેમમાં પરિણમે.

અમે કેમ અસ્તિત્ત્વ ધરાવીએ છીએ

અમારું માનવું છે કે બાળપુસ્તકો બાળકોનાં ઘડતરમાં માત્ર મનોરંજક બની રહેવાથી વિશેષ યોગદાન આપી શકે છે. એક યોગ્ય વાર્તા બાળકને લાગણીઓને સમજવા, નવી દુનિયાઓની ખોજ કરવા અને બીજાને કરુણાભાવ અને કુતૂહલથી જાણવા-સમજવામાં મદદ કરે છે. વાર્તા બુક્સ એવી વાર્તાઓ પ્રકાશિત કરે છે જે સૌમ્ય છે, અર્થસભર છે અને આશ્ચર્યભાવથી ભરેલી છે. વાર્તા બુક્સ છાંટીને એવા શીર્ષકો પ્રસ્તુત કરે છે ઘોંઘાટને સ્થાને વિચારશીલતાને આવકારે છે.

‘વાર્તા’ એટલે

‘વાર્તા’ નામમાં જ પડઘાય છે બુલંદ અવાજે કહેવાતી વાર્તાઓ, રાતે સૂતી વખતે સંભળાવવામાં આવતી વાર્તાઓ, માથે રજાઈ ઓઢી બેટરીનાં અજવાળે છુપાઈને વંચાતી વાર્તાઓ અને બાળપણનાં વિતી ગયાં પછી પણ યાદ આવતી વાર્તાઓ. અમારું નામ જ અમારી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે વાર્તાઓ થકી જ બાળકો આપણાં આ વિશ્વને ખૂંદે છે, સમજે છે અને તેમાં પોતાની જગ્યા બનાવે છે.

અમે એવી વાર્તાઓ પસંદ કરીએ છીએ જે બાળકોને વારંવાર સાંભળવી ગમે છે - જે પછી તેમની મનપસંદ બની જાય છે, જે તેમની યાદોને ઘડે છે અને પરિવારનો કાયમી હિસ્સો બની પેઢી દર પેઢી પુસ્તકોના કબાટોમાં સ્થાન પામી જીવંત રહે છે.

અમારા મૂળભૂત ઉદ્દેશ્યો

વાર્તા લિટરેચર ફાઉન્ડેશનનાં મુખ્ય છત્ર હેઠળ અમારું કાર્ય કેટલીક મુખ્ય ભાવનાઓ દ્વારા પ્રેરિત છે અને જે અમારી દરેક પ્રવૃત્તિઓને ઓપ આપે છે.

બાળસાહિત્યનો પ્રચાર અને પ્રસાર

અમે કાલ્પનિક અને વાસ્તવિક માહિતી આધારિત (ફિક્શન અને નોનફિક્શન), શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જેવી વિવિધ શ્રેણી અંતર્ગત અર્થસભર, રસપ્રદ અને વયઅનુરૂપ પ્રાદેશિક, અંગ્રેજી અને દ્વિભાષી પુસ્તકો પ્રકાશિત કરીએ છીએ.

માતૃભાષામાં વાચનને પ્રોત્સાહન આપવું

પ્રાદેશિક બાળસાહિત્યને કેન્દ્રમાં રાખતાં સાહિત્યિક કાર્યક્રમો, પુસ્તકમેળા, કાર્યશાળાઓ અને પરિસંવાદો જેવી પ્રવૃત્તિઓનાં આયોજન દ્વારા અમે પ્રાદેશિક ભાષાઓનાં સંરક્ષણ કાર્યમાં સહાયક બનીએ છીએ.

સમાજઉપયોગી અને સેવાભાવી પહેલ

અમે સામાજિક હિત માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીએ છીએ જેવી કે વંચિતવર્ગોનાં બાળકોને સહાય, સાક્ષરતા ફેલાવ, સરકારી શાળાઓ અને ગ્રામીણ સમુદાયો સુધી વિચારપૂર્વક તૈયાર કરાયેલાં સાંપ્રત પુસ્તકો પહોંચાડવા, ગ્રામીણ પુસ્તકાલયો શરૂ કરવા અને સંસ્થાનાં શૈક્ષણિક અને સાહિત્યિક ઉદ્દેશ્યોને સુસંગત કાર્યોમાં સહયોગ આપવો .

અમારા મૂલ્યો

કલ્પનાશીલતા

અમે જાદુભરી દુનિયા અને અનંત શક્યતાઓનાં દ્વાર ખોલતી વાર્તાઓને વધાવીએ છીએ.

સંવેદના

મહાન બાળવાર્તાઓ બાળવાચકને પોતાની અને અન્યની લાગણીઓને સમજવામાં મદદ કરે છેએ.

આનંદ

ખિલખિલાટ હાસ્ય જન્માવતું, હળવાશ ભર્યું અને કશુંક નવું શોધી કાઢયાની અનુભૂતિ કરાવતું - વાચન એકદમ મજા પડે તેવું હોવું જોઈએ.

વિકાસ

જ્યારે પણ વાંચીએ ત્યારે દરેક વખતે એક નવા જ અર્થને ઉજાગર કરતી, શ્રેષ્ઠ વાર્તાઓ બાળકની સાથે-સાથે વિકસતી રહેતી હોય છે.